Saturday 12 April 2014

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે, રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.
દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ, ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.
મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં, હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.
હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ, કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.
રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના, કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.
સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું, જીવન કવિતા !  મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.
વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે, ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.
~ Dev Betrayal

રેતમાં તરવા જવાની જીદમાં, તરફડ્યાં જળ ત્યાગવાની જીદમાં.
જાતથી નારાજ કેવા થઈ ગયા ! સૌને રાજી રાખવાની જીદમાં.
વાસણો દોર્યાં અભેરાઈ ઉપર ખાલીપો સંતાડવાની જીદમાં.
લ્યો, વરસનાં વ્હાણ ડૂબ્યાં હાથમાં હસ્તરેખા લાંઘવાની જીદમાં.
છેવટે ઘરને ય સળગાવી દીધું આંગણું અજવાળવાની જીદમાં.
~ Dev Betrayal

સૂરીલા બની જાશે સઘળા અવાજો, દરેક ગીત એને ઉદ્દેશીને ગા જો !
જે આવ્યા હો લાંબી સફરમાંથી એને, ચહેરાના આશ્ચર્યનું ઘેન પાજો.
દરેક પર્ણને સૂર્ય સાક્ષાત ચૂમે, કરે દર સવારે શરદ ખેલ તાજો.
તમારામાં સંદેશા વહેતા મૂકું છું, પવન ! એમના ઘર તરફ થઈને વાજો.
ન ગમતું બને કે કંઈક કે તત્ક્ષણે આ, અધર વાંકા કરવાની એની અદા જો !
ઘણાં વર્ષે એણે કહેણ મોકલ્યું છે, મને થાય છે, તોડી નાખું રિવાજો.
~ Dev Betrayal


લો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું !
આપની નજરો જે ફરમાવી રહી, એ ગઝલ જો યાદ આવે તો કહું !
શાંત જળમાં એક પણ લહરી નથી, કોઇ થોડું ખળભળાવે તો કહું !
હું કદી ઊંચા સ્વરે બોલું નહીં, એકદમ નજદીક આવે તો કહું !
કોઇને કહેવું નથી, એવું નથી, સહેજ તૈયારી બતાવે તો કહું !
~ Dev Betrayal


જો દોસ્ત તળેટીનું જીવન કેવું ફળે છે કે સઘળાં શિખર જાણે અહીં પગની તળે છે
ડર શું છે? નથી ચાલતી હિમ્મત તને માગું એ પણ છે ખરું જે કંઈ પણ માંગું મળે છે.
મન ક્યાંય જવાનું જ નથી થાતું કદાપિ ન જાણે કયા ભવનો હજુ થાક કળે છે
ઉપર ઉપરથી સ્વસ્થ સતત હોઈએ છતાં એ તો તું શોધ કોણ છે ભિતર જે ચળે છે.
ઊગ્યો નથી ભલે ને સૂરજ મારો કદી પણ હર સાંજના લાગ્યું છે સૂરજ મારો ઢળે છે.
પર્યાય એના નામનો પ્રત્યેક નામ છે પ્રત્યેક રસ્તા જાણે કે એ બાજુ વળે છે
~ Dev Betrayal

વીજના ચમકાર જેવું હોય છે, આયખું પળવાર જેવું હોય છે.
લે, કપાયા દુ:ખના દા'ડા બધા, જો, સમયને ધાર જેવું હોય છે.
સત્યનાં શસ્ત્રો ઉગામી તો જૂઓ, જૂઠ ખાલી વાર જેવું હોય છે.
છેડવાથી શકય છે રણકી ઉઠે, મન વીણાના તાર જેવું હોય છે.
ડૂબવાનું મન થશે, લાગી શરત ? આંખમાં મઝધાર જેવું હોય છે.
ના કશું ગર્ભિત નથી સંસારમાં, બે અને બે ચાર જેવું હોય છે.
~ Dev Betrayal